શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી છે. હાલ ચાંદખેડા પોલીસ દ્વારા ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં ફરી એક વખત કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગેંગવોરમાં એક યુવકનું મોત થયું છે. ઘટના અંગેની જાણ થતાં હાલ ચાંદખેડા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગેંગવોરમાં એક યુવકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવતા જ ચકચારી મચી છે. મળતી માહિતી અનુસાર એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ સમગ્ર ઘટના મામલે અમદાવાદ શહેર એલ ડિવિઝનના એસીપી ડી.વી. રાણા દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં બે ગાડીમાં આવેલા લોકોએ એકબીજા પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો. એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર છોડીને નાસી છુટ્યા હતા. મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળે છે.
તમને જણાવી દઈએ કે, આ બે જૂથ વિરૂદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળે બેરિકેટિંગ પણ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીની શોધખોળ અને ઘટનાની વધુ તપાસ પોલીસ હાલ કરી રહી છે.