શહેરમાં એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે બે દર્દીના મોત નીપજ્યા છે. જે બાદ તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ગામજનોને ખ્યાતિ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલે દર્દીઓના પરિવારજનોને પૂછ્યા વગર જ એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મુકી દીધા હતા જેને કારણે દર્દીના મોત થયા છે. જોકે, આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ગામજનોના ચોંકાવનારા નિવેદન સામે આવ્યુ છે. કડીના બોરિસના ગામમાં દુકાન ધરાવનાર 65 વર્ષીય શકરાભાઈ પટેલે જણાવ્યુ છે કે, મને આંખોની તકલીફ હતી તો પણ કેમ્પમાં કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો.
કડીના બોરિસના ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા આશરે ૬૫ વર્ષીય શકરાભાઈ પટેલે જણાવ્યુ છે કે, ગામે ખ્યાતિ હોસ્પિટલનો મફત નિદાન મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં હું પણ ગયો હતો. જ્યાં મને આંખોની તકલીફ હતી તો પણ કેમ્પમાં કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો. બીજા દિવસે અમદાવાદ લઈ જવા માટે લક્ઝરી બસ લઈને આવ્યા હતા. મને પણ અમદાવાદ લઈ જવા કહ્યું પણ મેં ના પાડી દીધી હતી. જેથી હું તો બચી ગયો.
મહત્ત્વનું છે કે, કડી તાલુકાના બોરીસણા ગામમાં બે દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોએ દર્દીઓને તપાસ કરી હતી અને દર્દીઓને મા યોજનાનું કાર્ડ, આધાર કાર્ડ તૈયાર રાખવાનું કહ્યું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે, અમારી હોસ્પિટલમાંથી બસ મોકલવામાં આવશે અને તે બસમાં 19 દર્દીઓને લાવવામાં આવ્યા હતા.
આ ગંભીરતા ધ્યાને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવી હતી. નીતિન પટેલે કહ્યું કે, યુએન મહેતા જેવી હોસ્પિટલને પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની મંજૂરી લેવી પડે અને આમને તો તરત જ મંજૂરી મળી ગઇ હતી. તમને યાદ હશે PMJAY માટે કેટલા ફોન કરવા પડે છે. મોટું ઓપરેશન હોય તો મંજૂરી મળવામાં સમય લાગતો હોય છે.