
‘અમે અમારા છોકરાઓને અહીં મરવા માટે નથી મોકલતા’, :- વાલીઓ
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજ્યની તમામ શાળાઓમાં ફાયર અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફાયર અંગે સભાન થનારા વાલીઓએ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે. આ શાળાના વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ગુરૂવારે સ્કૂલમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતુ. જોકે, આ અંગે શાળા પ્રસાશન તરફથી આવી કોઇ માહિતી વાલીઓને મળી નથી. જેથી આજે સવારથી જ વાલીઓએ શાળામાં ઉહાપોહ મચાવ્યો હતો. સ્કૂલમાં આગ લાગ્યાની વાત જાણ્યા બાદ વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે.
‘અમે તમારા વિશ્વાસથી અમારા બાળકોને અહીં મોકલીએ છીએ’
વાલીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તમે બાળકોની સેફ્ટીનો વિચાર કરો માત્ર બિઝનેસનો જ વિચાર ન કરો. અમે તમારા વિશ્વાસથી અમારા બાળકોને અહીં મોકલીએ છીએ. અમે અમારા છોકરા અહીં મરવા માટે નથી મોકલતા.
‘શિક્ષકો જ જુઠ્ઠું બોલે છે તો…’
અન્ય વાલીએ એમ પણ જણાવ્યુ કે, ‘અમે જ્યારે પાંચમા માળેથી નીચે ઉતર્યા ત્યારે બધે જ ધુમાડો ધુમાડો જ હતો. ટીચરો બધા મોબાઇલની લાઇટ ચાલુ કરીને ઉભા હતા. સ્કૂલવાળા તો અહીં આગ લાગી હતી તેવું માનવા જ તૈયાર નથી. જો શિક્ષકો જ જુઠ્ઠું બોલે છે તો બાળકો તેમની પાસેથી શું શિખશે.’
વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ‘મેનેજમેન્ટવાળાએ અમને કહ્યુ કે, બીજા માળે સ્પાર્ક થયું હતું, પરંતુ સ્પાર્કમાં આટલો ધુમાડો તો નથી થતો. બાળકોએ કહ્યુ હતુ કે, બધી જગ્યાએ ધુમાડો જ ધુમાડો હતો. પહેલા અમને તેમણે મોકડ્રીલ કર્યું હતુ તેમ જણાવ્યુ હતુ હવે કહે છે કે સ્પાર્ક થયું હતુ. બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.’