ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને રહેવાની હોસ્ટેલ સુવિધાઓ પૂરતી ન હોવાથી ગાંધીનગરમાં સેક્ટર 2, 7, 8, 21, 27 સેક્ટરમાં વિદ્યાર્થીઓ પેઈંગ ગેસ્ટ (PG)માં રહીને ક્લાસીસ તથા અભ્યાસ કરે છે. જ્યારે પી.જી. કલ્ચરથી ત્રાહિમામ રહેવાસીઓને ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, જીલ્લા પોલીસ વડાને ગાંધીનગર સેક્ટર 2ના રહવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગાંધીનગર SDPOને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
ગાંધીનગર સેક્ટર 2માં રહેતા નાગરિકો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવેલી રજૂઆત મુજબ, પાટનગર ગાંધીનગરમાં હાલમાં જિલ્લા બહારથી ઘણા લોકો રોજગારી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને અભ્યાસ માટે આવતા હોય છે. આ વિદ્યાર્થીઓને રહેવા માટે સેકટર-2/ડીમાં 90 ચો.મીના મકાનો પી.જી ચલાવનારાને ભાડેપટ્ટેથી આપ્યાં છે. જેમાં એક મકાનમાં આશરે 20થી 25 છોકરા- છોકરીઓને રાખવામાં આવ્યાં હોવાથી નજીકમાં વસવાટ કરતા પરીવારોને વાહન પાર્કીંગ અને ફુડ ડીલીવરી, કુરીયર, ટેક્ષીઓની અવર-જવર જેવી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે એક મકાનમાં મોટી સંખ્યામાં છોકરા-છોકરી રહેતા હોવાથી પાણી તંગી પણ સર્જાઈ છે.