ગુજરાતના વહીવટી તંત્રની રખેવાળી કરતાં શાસકો માટે રાજ્યના નાણાં વિભાગે હવાઈ યાત્રા કરવાના નવા નિયમો બનાવ્યા છે, જેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, 500 કિલોમીટરથી વધારે દૂર જવાનું હોય તો જ હવાઈ મુસાફરી માટે માઇલેજ ભથ્થું ચૂકવવામાં આવશે.
બીજો આદેશ આ પ્રમાણે છે, રાજ્યમાં માત્ર મુખ્યમંત્રી જ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે. બાકી તેમની કેબિનેટના સર્વે સભ્યો, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ઇકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરવાની રહેશે.
રાજ્યના કર્મચારી મંડળોની પડતર માંગણીના સંદર્ભમાં નાણાં વિભાગે જે ઠરાવો બહાર પાડ્યા છે તેમાં હવાઈ યાત્રાના સંદર્ભમાં માઇલેજ ભથ્થાંનો પણ સમાવેશ કર્યો છે. જૂના આદેશમાં કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે. 8મી નવેમ્બરથી જેનું પાલન કરવાનું થાય છે તે નિયમોમાં પે સ્કેલ લેવલ 12 કે તેથી ઉપર હોય તેવા અધિકારીઓ દેશની અંદર હવાઈ યાત્રા તેમના વિવેક પ્રમાણે કરી શકશે. એટલું જ નહીં પે સ્કેલ લેવલ 10 અને 11ની વચ્ચે હોય તેવા અધિકારીઓ પણ વિવેકબુદ્ધિ પ્રમાણે હવાઈ યાત્રાના માઇલેજ ભથ્થાં માટે હક્કદાર રહેશે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 500 કિલોમીટર એટલે કે ટ્રેનસેવા મારફતે રાત્રીભર જ્યાં યાત્રા કરવાની થતી હોય ત્યાં હવાઈ મુસાફરી કરી શકાશે.
નાણાં વિભાગે જે પે સ્કેલ લેવલ માટે મંજૂરી આપી છે તેમાં સચિવાલયના વિભાગોના સચિવો, વિભાગના વડા કે જેઓ આઇએએસના સુપર ટાઇમ સ્કેલમાં છે. જેમાં પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક અથવા તો પ્રધાન મુખ્ય વન સંરક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હક્કદાર છે, જેમના વેતન સ્કેલ લેવલ 10 કે તેથી વધુ છે. આ અધિકારીઓને જ હવાઈ યાત્રાનો લાભ મળી શકશે.