મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં બનેલી ગેંગ રેપની આઘાતજનક ઘટનામાં પતિ સાથે ભૈરવ બાબા પિકનિક પોઈન્ટ પર ગયેલી એક નવપરિણીત યુવતી પર 8 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં ભાજપના મીડિયા પ્રભારીના પુત્રની સંડોવણીનો આક્ષેપ થઈ રહ્યો છે પણ પોલીસે પકડેલા 8 આરોપીઓમાં ભાજપના કોઈ નેતાનો પુત્ર નથી તેથી પોલીસ તેને છાવરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસ યુવતી પર બળાત્કાર ગુજારનારા 5 હવસખોર અને વીડિયો બનાવવામાં મદદ કરનારા 3ની ધરપકડ કરી છે. આરોપીઓએ પતિને ઝાડ સાથે બાંધી દઈ તેની નજર સામે પત્નીને હવસનો શિકાર બનાવી ગેંગ રેપ કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે સામૂહિક બળાત્કારની ઘટના સોમવારે ગુડ તહસીલના ભૈરવ બાબા પર્યટન સ્થળ પર બની હતી.રિવા હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) હિમાલી પાઠકે જણાવ્યું હતું કે, યુવતીંના લગ્ન થોડા સમય પહેલાં જ થયા છે. યુવતી અને તેના પતિની ઉંમર 19 થી 20 વર્ષની આસપાસ છે અને બંને કોલેજમાં ભણે છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના પર બળાત્કાર કરનારા પાંચમાંથી એકના હાથ અને છાતી પર ટેટૂ હતા. પોલીસે તેના આધારે લગભગ 100 લોકોની અટકાયત કરી હતી. તેમાંથી એક બળાત્કારી નિકળતાં તેના આધારે પોલીસ બીજા આરોપી સુધી પહોંચી ગઈ.
પોલીસના કહેવા પ્રમાણે, મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ દંપતીએ ગુડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો અને ડીએસપી ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પીડિતાનું મેડિકલ ઈન્સ્પેક્શન કર્યા પછી તે જ દિવસે સાંજે 7 વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, ગાંજા, મોબાઈલ વગેરે પણ કબજે કર્યા છે. તમામ આરોપીઓ લીટી-ચોખા બનાવવા જંગલમાં નાળાના કિનારે ગયા હતા. આ બળાત્કારીઓએ ફોન કરીને પોતાના બીજા સાથીઓને પણ બોલાવ્યા હતા.
બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ આપેલી જુબાની પ્રમાણે, યુવતી પર બળાત્કાર વખતે આરોપીઓ તેના પતિને સતત મારતા હતા. બળાત્કારીઓ અંદરોઅંદરની વાતચીતમાં કહેતા હતા કે, અમે અહીં છોકરીઓની રાહ જોઈને બેસીએ છીએ તેથી તુ પહેલી નથી.
રીવામાં યુવકને બંદી બનાવીને તેની યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં પીડિતા યુવતી બીજી મહિલાને પોતાની આપવિતી કહેતી સાંભળાય છે. પીડિતા યુવતી કહે છે કે, બળાત્કારીઓ પૈકી એક યુવકે ધમકી આપતા કહ્યું હતું કે, હું મીડિયા ઈન્ચાર્જનો દીકરો છું. પોલીસ અમને કંઈ કરી શકશે નહીં.
પીડિતાએ આજીજી કરતાં પોતે પતિ-પત્ની હોવાથી જવા દેવા કહ્યું પણ બળાત્કારીઓ માન્યા નહોતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઇકની ચાવી છીનવી લીધી અને ફોન પણ લઈ લીધો હતો. તેમણે કાચની બોટલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી પાંચેય જણાએ વારાફરતી બળાત્કાર કરીને વીડિયો પણ બનાવ્યો.
ભાજપ જિલ્લા પ્રમુખ અજયસિંહ પટેલે દાવો કર્યો છે કે, ભાજપમાં યોગેશ શુક્લા અને રિતેશ મિશ્રા મીડિયા ઈન્ચાર્જ છે અને આરોપીઓમાંથી કોઈ તેમના પુત્ર નથી.