હાલ દેશભરમાં ડિજિટલ ક્રાઈમ વધી રહ્યાં છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકોને શિકાર બનાવી તેને ઠગવામાં આવે છે. આવો જ એક કિસ્સો કચ્છના લખપતમાંથી સામે આવ્યો છે. લખપતના પાનધ્રોના રહેવાસી રઘુભા સોઢા કથિત ગુજરાત હાઈકોર્ટના વકીલ રોહિતકુમાર પરમારના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. સોઢા અકસ્માતે પોતાના દીકરાના મૃત્યુ સંદર્ભે કંપની પર કેસ કરવા બાબતે ગ્રુપમાં જોડાયો હતો. જ્યાં તેની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવી લેવામાં આવ્યા હતાં. હાલ, પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી રોહિતકુમાર પરમાર સાબરકાંઠાના ઈડરનો રહેવાસી છે. તેણે પોતાની ઓળખ વકીલ તરીકે આપી ફરિયાદી પિતાને દીકરાના મોત માટે ન્યાય અપાવવાનું કહી પોતાની જાળમાં ફસાવ્યો. ત્યારબાદ પોતાની ફી દોઢ લાખ રૂપિયા થશે તેવું જણાવી ફરિયાદી પાસે પૈસાની માગણી કરી. ફરિયાદીએ તુરંત તેને ફોન પે દ્વારા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં અને બીજા પચાસ હજાર રૂબરૂ મળીને આપ્યા હતાં. ફી મળ્યા બાદ આરોપીએ દયાપર કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો પરંતુ કરાવ્યો હતો, પરંતુ તારીખ મળતા તે કોર્ટમાં હાજર જ ન થયો.ત્યારબાદ આરોપીએ એક વખત ભુજના કોઈ વકીલને કેસ લડવા દયાપર મોકલ્યો. પરંતુ, ભુજના વકીલે કેસ લડવા ફરિયાદી પાસે અલગ પૈસાની માગ કરતાં ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ. સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા રઘુભા સોઢાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ફરિયાદી કોઈ વકીલ કામ ન કરતો હોવાનો જવાબ મળ્યો છે. આ વિશે પોલીસે IPCની કલમ 406 અને 420 દાખલ કરી ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કર્યાં બાદ તે વકીલ છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપીએ જે ખોટા એકાઉન્ટ્સ બનાવ્યાં તેમાં હાઈકોર્ટનો સામાન્ય સ્પેલિંગ પણ ખોટો લખ્યાં છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ શખસે ફેસબુકમાં પોતાની ઓળખ સીબીઆઈ ઈન્સ્પેક્ટર તરીકે આપતું એકાઉન્ટ બનાવ્યું છે. આ સિવાય એડવોકેટ તરીકેના વિઝિટિંગ કાર્ડમાં રૂહી ફિલ્મ્સ નામની કોઈ કંપનીનું નામ લખેલું છે. આ વ્યક્તિ અલગ-અલગ ઓળખ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન ખબર પડી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.