ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કરોડોનું આંધણ કરવામાં આવે છે. હજારો યુવાઓને રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ કડવી હકીકત એ છેકે, વિકસીત રાજ્ય ગુજરાતમાં બેરોજગારી ચરમસિમાએ પહોંચી છે. આજેય 2.49 લાખ શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે.
ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે
અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાઓ ઉમટી પડ્યા હતાં. ઉમેદવારોની ભીડ ઉમડતાં હોટેલની રેલિંગ તૂટી ગઇ હતી. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે. ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલાં આંકડા મુજબ, રાજ્યમાં 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો જ્યારે 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો નોધાયાં છે. રાજકોટ, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો નોધાયેલાં છે. સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં માત્ર 32 શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી શકી છે.
અમદાવાદના યુવાઓ સરકારી નોકરીનું સપનું પુરૂ કરી શક્યા છે. જ્યારે 22થી વઘુ જિલ્લામાં યુવાઓ સરકારી નોકરી મેળવી શક્યા નથી. બીજી તરફ, સરકાર ભલે સરકારી નોકરીના દાવાઓ કરે પણ વાસ્તવિકતા એ છેકે, સરકારી ભરતી કેલેન્ડર પર કાગળ પર રહ્યુ છે. આ પરિસ્થિતી વચ્ચે શિક્ષિત યુવાઓને નાછૂટકે ઓછા પગારે ખાનગી કંપનીઓમાં નોકરી કરવા મજબૂર થવુ પડ્યુ છે. સરકારી નોકરી મેળવવા માટે લાખો ફોર્મ ભરાય છે તે એજ દર્શાવે છે કે, ગુજરાતી યુવાઓ માટે સરકારી નોકરી કરવી એ સપનું છે.