અમદાવાદ જિલ્લાના લાંભા અને આસપાસના વિસ્તારમાં છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા યુવક પર ગેસના સિલિન્ડરની ચોરી કર્યાનો આરોપ મુકીને એક મહિલા સહિત પાંચ લોકોએ બેરહેમીપૂર્વક માર મારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. સાત દિવસ પહેલા અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામ પાસે મળેવી આવેલી બિનવારસી લાશની તપાસ કરતા પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગીરમકા ગામની હદમાં એક યુવકનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો કે માર મારતા તેનું મોત થયું હતું.
જેના આધારે પીએસઆઇશ્રી એમ.એચ ઘાસુરા તથા ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવક અવારનવાર પ્લાસ્ટીકનો કચરો એકઠો કરવાની સાથે મજુરી કરતો જોવા મળ્યો હતો. તેને થોડા દિવસ પહેલા એક રીક્ષામાં આવેલા લોકો ઉઠાવીને ગયા હતા. આ માહિતીને આધારે તપાસ કરતા માહિતી મળી હતી કે મૃતક યુવકનું નામ મારાજ મારવાડી હતું. ૧૨મી ઓક્ટોબરના રોજ રાતના સમયે લાંભામાં રહેતા જીગી કુમરખાણીયાના ઘરની બહાર સુતો હતો જ્યારે જીગીબેન અને તેનો પતિ બારેજા ગયા હતા. બીજા દિવસે પરત આવ્યા ત્યારે ઘર બહાર ગેસના સિલિન્ડર જોવા મળ્યા ન હોતો. જેથી મારાજ મારવાડીનું રીક્ષામાં અપહરણ કરીને તેને ઘરે લાવીને સિલિન્ડર અંગે પુછપરછ કરીને અમજદ, અનિલસિંહ અને જીગીબેનના પતિ મહેન્દ્રએ ઢોર માર માર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. જેથી લાશને ગીરમટા ગીરમકા ગામે ફેંકી દીધી હતી. આ અંગે પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.