ગુજરાત રાજ્યમાં હમણાં નકલી કચેરી ,નકલી અધિકારી, નકલી કંપનીઓનો દોર ચાલી રહ્યો છે. તેવામાં વાપીની એક જવેલર્સ શોપના માલિકને વડોદરાના એક ઈસમે પોતે પીએસઆઇ તરીકે ઓળખ આપીને પૈસા પડાવ્યા હતા. જે ફરિયાદ ચોપડે નોંધાતા વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇશ્રી આર.જી.જાડેજા સાહેબ અને ટીમની ટીમે આ નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન પીએસઆઇની ટીમે બાતમીના આધારે મકરપુરા એસટી ડેપો પાસેથી અભિષેક કાંતિભાઇ પટેલ (ઉં. 39) (રહે. કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) (મુળ રહે. જસાપર, કાલાવડ, જામનગર) ને શોધી કાઢ્યો હતો. આરોપી વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ખોટી ઓળખ બતાવી ઠગાઇ કરવા અંગેના ગુનામાં સંડોવાયેલા હોવા અંગેની ખરાઇ કરવામાં આવી હતી. વાપી જીઆઇડીસી પોલીસ પણ આરોપીની શોધખોળમાં હતી. આ અંગે તેઓને જાણ કરીને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપી અભિષેક પટેલ સામે વાપી પોલીસ મથકના હદ વિસ્તારમાં જ્વેલરી શોપ ધરાવતા ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અભિષેક પટેલે ફરિયાદીને ફોન કરીને પોતે પીએસઆઇ અર્જુનસિંહ ઝાલા, વડોદરાથી બોલું છું જણાવ્યું હતું. વધુમાં તેણે કહ્યું કે, એક સ્ત્રીને અમે પકડી છે. જે નાની-મોટી ચોરી કરે છે. અને તેણીએ તમારી દુકાને સાડાપાંચ ગ્રામની સોનાની ચેઇન રૂ. ૨૯,૫૦૦માં ડિસેમ્બર માસમાં વેચેલી છે. તેવી કબુલાત કરી છે. જો તમે રૂ. ૨૯,૫૦૦ આપી દો તો હું કેસ ક્લોઝ કરી દઇશ. અને જો તમે રૂપિયા નહીં આપો તો હું તમારી દુકાન પર ટીમ મોકલું છું.
બાદમાં ફરિયાદી ડરી ગયા હોવાથી તેમણે બે ટ્રાન્ઝેક્શન થકી પૈસા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ આરોપીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જેથી ફરિયાદી છેતરાયા હોવાની લાગણી અનુભવતા તેમણે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આરોપી દ્વારા પોતાના નામથી મેળવેલા મોબાઇલ પરથી ફોન કર્યો હતો. અને તેની પત્નીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા હોવાનું વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવવા પામ્યું છે.