
લોક અધિકાર અમદાવાદ,
બુટલેગરો નવા-નવા કીમિયાઓ અજમાવી દારૂ ઘૂસાડવાનું કરતા હોઈ છે, તેટલી પોલીસ પણ સતર્ક થઇ ગઈ છે. દિવાળી આવતા જ બુટલેગરો બેફામ બનાયા છે. હવે તો બુટલેગરો સ્કુલવાનમાં પણ દારૂ લાવવા લાગ્યા છે.શાહપુર વિસ્તારમાં કેટલાક બૂટલેગરો પોલીસથી બચવા પરોઢિયે દારૂનું કટિંગ કરી રહ્યા હતા. બાતમી મળતા જ શાહપુર પોલીસે એક મકાનમાં રેડ કરી ત્યારે મકાનના અલગ અલગ માળે દારૂનો જથ્થો સગેવગે કરાઇ રહ્યો હતો. પોલીસે પકડેલા બૂટલેગરોની પૂછપરછમાં સ્કૂલ વાનમાં પણ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાનું ખૂલતા પોલીસે તે જથ્થો પણ કબ્જે કર્યો હતો. શાહપુર પોલીસે 3.68 લાખના મુદ્દામાલ સાથે પાંચ બૂટલેગરોની ધરપકડ કરી છે.
ખાનપુર કકડવાડની ગલી નજીક કેટલાક બૂટલેગરો પોલીસથી બચવા વહેલી સવારે દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે ખાનપુરમાં ત્રણ માળના મકાનમાં બાતમી આધારે રેડ કરી હતી. પોલીસે રેડ કરતા જ ત્યાંથી આરોપી ફહીમઉલ્લા ખાન પઠાણ, મહંમદયુસુફ શેખ, શોહેલ પઠાણ, અકબરખાન પઠાણ, મોઇનખાન પઠાણ ઝડપાયા હતા. આ મકાનની તપાસ કરતા આરોપીઓ સવારે છ વાગ્યે બિલ્ડિંગમાં બેસીને દારૂનું કટિંગ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ દારૂનો જથ્થો લાવીને છૂટકમાં વેચાણ કરવાના હતા. આરોપીઓએ પોલીસથી બચવા સ્કૂલ વાનનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ સ્કૂલ વાનમાં દારૂ બિયરની બોટલોનો જથ્થો લાવીને પોતપોતાના મકાનમાં છુપાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આરોપી યુસુફે સૌથી વધુ દારૂનો જથ્થો પોતાના મકાનમાં છુપાવ્યો હતો. આરોપી યુસુફ આરોપી ફહીમઉલ્લા પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હતો. બંને આરોપીઓ હુસેન બાટલો પાસેથી આ જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે આરોપી હુસેન બાટલો અને ગાડીના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી 1008 બોટલ દારૂ બિયરનો જથ્થો, ગાડી અને ફોન મળીને રૂ. 3.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.