લોક અધિકાર (પ્રતિનિધિ)
નરોડામાં કેશવવાડીની નજીક દીવાલ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. કોઇ અજાણી વ્યક્તિએ તેનું કાળું મોં છુપાવવા માટે બાળકને પ્લાસ્ટિકની થેલીમાં ત્યજીને રફુ ચક્કર થઇ ગઇ હતી. પોલીસે નવજાત શિશુને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. હાલ નરોડા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.
નરોડામાં રહેતા કનકસિંહ વાઘેલા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે સવારે તેઓ એક્ટિવા લઇને નરોડા ગામમાં જતા હતા ત્યારે કેશવવાડી નજીક પહોંચ્યા ત્યાં લોકોનું ટોળું હોવાથી તે પણ ઊભા રહ્યા હતા. બાદ તેમણે જોયું તો અજાણી વ્યક્તિ નવજાત બાળકને પ્લાસ્ટિકની થેલીમાં ફેંકીને ફરાર થઇ ગઇ હતી. તેમને આસપાસ શિશુના વાલીની શોધખોળ કરી પરંતુ મળી આવ્યું ન હતું. બીજી તરફ, પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે આવી હતી. નવજાત બાળકને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. આ અંગે કનકસિંહે નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.