
2100 ગ્રામ સોનાના ભાગ પાડવા એકઠી થયેલી ત્રિપુટીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી – સીજી રોડના લક્ષ્મી જ્વેલર્સના માલિક સાથે ચીટિંગનો મામલો,પોલીસ 1800 ગ્રામ સોનું કબજે કર્યું
સીજી રોડ પરના લક્ષ્મી જ્વેલર્સમાંથી અનુપમ ખેરના ફોટાવાળી 1.30 કરોડની બોગસ નોટો આપી 2100 ગ્રામ સોનું લઇ જનાર ગેંગને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પોલીસને લાંબા સમયની મહેનત બાદ આ ગેંગના ત્રણ સાગરિતોને 1800 ગ્રામ સોના સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. દિવાળીના દિવસોમાં જ્વેલર્સનું 1800 ગ્રામ પરત ફરતાં તેના જીવમાં પણ જીવ આવ્યો છે. કાંડ કરવા માટે આ ટૂકડીએ બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી અને તપાસ ડાઈવર્ટ થાય તે માટે સરદારનો વેશ ધારણ કરી આ કાંડ કર્યો હતો. જોકે, હજુ આ ગેંગના ચાર સભ્યને 300 ગ્રામ સોના સાથે ઝડપી લેવા માટે પોલીસ કવાયત કરી રહી છે.
સીજી રોડ પરના લક્ષ્મી જ્વેલર્સમાં ૨૨ દિવસ પહેલા આવેલા સરદારજી જેવા દેખાતા બે લોકોએ ૨૧૦૦ ગ્રામ સોનું ખરીદવાનું કહ્યું હતું. જેથી જ્વેલર્સના મેનેજરે માણેકચોકમાં બુલિયનનો વ્યવસાય કરતા મેહુલ ઠક્કરનો સંપર્ક કરાવ્યો હતો. જ્યાં 2100 ગ્રામ સોનું ૧.૬૦ કરોડમાં લેવાનું અને સોનાની સામે રોકડા નાણાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરદારજી જેવા લાગતા યુવક અને તેના સાથીદારે કહ્યું હતું કે, રૂપિયા આપીને જ અમે સોનું લઇશું માટે જ્વેલર્સને સોનું લઇને સી. જી. રોડ પર આનંદમંગલ કોમ્પ્લેક્સ ખાતેની પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના આંગડિયા પેઢી પર આવવાનું કહ્યું હતું.
જ્વેલર્સ સોનું લઇને પહોંચ્યા ત્યારે આ ઠગ ટુકડી સોનું લઇને રૂ. ૧.૬૦ કરોડની ૫૦૦ના દરની અનુપમ ખેરના ફોટા વાળી બનાવટી ચલણી નોટો આપીને ફરાર થઇ ગયા હતા. આ કેસમાં નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી, પરંતુ તેમનાથી તપાસ થશે નહીં તેવી સ્થિતિને કારણે પોલીસ કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાંચે સોંપી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.બી. પટેલ, પીએસઆઇ વિજયસિંહ ગોહિલ અને દેવેન્દ્ર ચોરવાડિયાની ટીમે શહેરના નરોડા વિસ્તારમાંથી ત્રણ આરોપીને રૂ. ૧.૩૮ કરોડની કિંમતના સોનાના ૧૮ બિસ્કિટ, ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓના નામ દિપક રાજપૂત (રહે. અભિલાષા એપાર્ટમેન્ટ, અસલાલી), નરેન્દ્ર જાદવ (રહે. જીવમ એપાર્ટમેન્ટ, સૈજપુર ટાવર પાસે, નરોડા) અને કલ્પેશ મહેતા (રહે. વિક્ટોરિયા પોઇન્ટ, કૃષ્ણનગર) હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાંચના ઓપરેશન અંગે એસીપી ભરત પટેલે જણાવ્યું કે, કૌભાંડના માસ્ટર માઇન્ડ દિપક રાજપૂત અને કલ્પેશ મહેતા છે. દિપક અને કલ્પેશની મુલાકાત જેલમાં થઇ હતી. બધાની આર્થિક સ્થિતિ ખરાબ હતી. જેલમાં પહેલા દિપક છૂટ્યો હતો. તેણે જેલમાંથી બહાર આવીને કલ્પેશને જેલમાંથી જામીન અપાવ્યા હતા. ત્યાર બાદ બન્નેએ ભૂપેશ સુરતી (મુંબઇ), વિજેન્દ્ર ભટ્ટ (રહે. જયપુર), અરવિંદ ડામોર (રહે. બાંસવાડા, રાજસ્થાન) અને પ્રભુ નામના વ્યક્તિઓને સાથે રાખીને મોટો ખેલ પાડવાનું નક્કી કર્યું હતું.
કલ્પેશ ગ્રાફિક્સનું કામ જાણતો હોવાથી તેણે ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટ તૈયાર કરી હતી. આ તમામ નોટો સી જી રોડ પર આવેલી ઝેરોક્ષની દુકાનમાં છપાવી હતી જ્યારે ભૂપેશ સુરતીના નામે આંગડિયા પેઢીની ઓફિસ ઊભી હતી. લક્ષ્મી જ્વેલર્સમાં સરદારનો વેશધારણ કરીને દિપક રાજપૂત અને વિજેન્દ્ર ભટ્ટ ગયા હતા. જ્યારે નરેન્દ્ર જાદવ સાથે રાખીને નાસી જવા માટે તેની બાઇકનો ઉપયોગ કર્યો હતો. ૧.૬૦ કરોડના ૨૧૦૦ ગ્રામ સોનાના ૨૧ બિસ્કિટ પૈકી ત્રણ સોનાના બિસ્કિટ અરવિંદ ડામોર અને તેના મિત્ર પ્રભુની મદદથી વેચાણ કર્યા હતા. પોલીસે આ કેસમાં અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.