Breaking
Sun. Feb 16th, 2025

માસ્ટર માઈન્ડે પાસવર્ડ નાખ્યોને અમદાવાદ સાયબર ક્રાઇમ ત્રાટકી,તાઇવાનના ચાર નાગરિકોને દબોચી લીધા

Spread the love

અમદાવાદ,મંગળવાર

દેશભરમાં સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈ ચાલી રહી છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ એરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે અગાઉ 13 ભારતીય આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે હવે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરી છે. આ તાઈવાન આરોપીઓએ પોતે ડેવલોપ કરેલી એપની મદદથી ડિજિટલ અરેસ્ટનું દેશનું સૌથી મોટું ષડયંત્ર રચ્યું હતું. આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ બિઝનેસ ભારતમાં ચલાવવા 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ એરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

પાર્સલમાં ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ હોવાની ધમકી આપીને ગુનો નોંધવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ વિરૂદ્ધ અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જેમાં ચાર તાઇવાન નાગરિકો સહિત ૧૧ લોકોને ઝડપી લીધા છે.તેમની પાસેથી ૧૨.૭૫ લાખની રોકડ, ૧૨૦ મોબાઇલ ફોન, મોટા પ્રમાણમાં ક્રેડીટ કાર્ડ અને પાસબુક, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. ઓનલાઇન છેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી.જેમાં તે એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ઇન્ટરનેટ સાથે જોડીને બેંક એકાઉન્ટના ઓટીપીના આધારે નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને તાઇવાન મોકલતા હતા. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનના નામે આવેલા પાર્સલમાં ડ્ગ્સ અને પાસપોર્ટ હોવાનું કહીને એનસીબી તેમજ મુંબઇ ક્રાઇમબ્રાંચના નામે કોલ કરીને ૮૦ લાખની છેતરપિંડીની તપાસ કરી રહેલી અમદાવાદ સાયબર ક્રાઇમને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે.

આ અંગે માહિતી આપતા ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે આ છેતરપિંડીના કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલા બેંક એકાઉન્ટને આધારે ભાવેશ સુથારની પુછપરછને આધારે પ્રવિણ પંચાલ અને નવી દિલ્હીથી હૈદર સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીની તપાસમાં સમગ્ર કૌભાંડમાં તાઇવાનની ગેંગની સંડોવણી સામે આવી હતી. તપાસ દરમિયાન વડોદરામાં સાયબર ક્રાઇમને નાણાં ટ્રાન્સફર કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી જાણવા મળી હતી. જેમાં એક સાથે ૨૦ કે તેથી વધુ મોબાઇલને ખાસ કોમ્પ્યુટર સાથે જોડીને તેમાં બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલા નંબરનું સીમ કાર્ડ નાખીને મોબાઇલને તાઇવાનમાં રહેલા કોમ્પ્યુટર સાથે રૂટ કરતા હતા. ત્યારબાદ તેમાં જનરેટ થતા ઓટીપીને આધારે નાણાં ક્રિપ્ટો કરન્સી દ્વારા અલગ અલગ દેશોમાંથી તાઇવાનમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

જેના આધારે પોલીસની અલગ અલગ ટીમે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમણે મુ ચી સંગ માર્ક, ચાંગ હાવ યુન, વાંગ યુન વેઇ અને સેન વેઇ હાવ નામના તાઇવાનના નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોંચવા માટે એસીપી હાર્દિક માકડીયા, પીઆઇ પી એચ મકવાણા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા સતત એક સપ્તાહ સુધી ટેકનીકલ એનાલીસીસ , હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *