Breaking
Sun. Feb 16th, 2025

દશેરાના દિવસે જ અમદાવાદ પોલીસની આબરૂના ધજાગરા ઉડે તેવી કેટલાક કર્મીઓની હરકત, જાહેર રોડ-ફૂટપાથ પર જ બાઈક પાર્ક કરી બાટલીઓના બૂચ ખોલ્યા

Spread the love

નવી પોલીસ કમિશનર કચેરી સામે જ પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ માણી!

અમદાવાદ પોલીસ માટે નાલેશીજનક, શરમજનક કિસ્સો દશેરાના પર્વે જ નોંધાયો છે. દશેરાએ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ સવારે શસ્ત્રપૂજન કરી રહ્યા હતા તે સમયની આસપાસ જ નવી પોલીસ કમિશનર કચેરીની સામેની ફૂટપાથ પર જ બાઇક પાર્ક કરીને ચાર પોલીસ કર્મીઓ બિનધાસ્ત દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ પોલીસ કર્મીઓની મહેફિલનો વીડિયો વાયરલ થતાં જ કમિશનરની પડખે રહેતા લોકોએ ઢાંકપિછોડો કરી તંત્રની આબરુ બચાવવા પ્રયાસ કર્યો હતો પણ તે શક્ય ન બનતા માધવપુરા પોલીસને ગુનો નોંધવા ફરજ પડી હતી. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. પાંચ આરોપીઓમાંથી ચાર આરોપીઓ હેડક્વાર્ટર્સના જ પોલીસ કર્મી હોવાનું ખૂલ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી ભલે હોય પરંતુ અમદાવાદમાં જાણે કે દારૂબંધી ન હોય તે પ્રકારના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરના તાબામાં આવતી એજન્સીઓ, ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસના આશીર્વાદથી બૂટલેગરો બેફામ બન્યા છે. આ દરમિયાન દશેરાના દિવસે જ સવારના પ્હોરમાં જ પોલીસ કર્મીઓએ જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી.

સવારે પોલીસ હેડક્વાર્ટર્સમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં જ નવી કમિશનર ઓફિસની સામે હોસ્પિટલની ફૂટપાથ પર કેટલાક લોકો બાઇક પર કેટલીક વસ્તુઓ મૂકીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ અંગેનો વીડિયો વાયરલ થતાં જ કમિશનર સહિતના લોકોની આબરૂના ધજાગરા ઊડ્યા હતા. કમિશનર જી. એસ. મલિકે કડક કાર્યવાહીના આદેશ આપતા માધવપુરા પોલીસ દોડી હતી. વાયરલ વિડીયો આધારે આ મામલે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે બાઇકના માલિક સંજય નાઇ (રહે. નારોલ) અને મણિનગર પીઆઇની ગાડીના ડ્રાઇવર એએસઆઇ વિનોદ ડામોર (રહે. દેવજીપુરા પોલીસલાઇન)ની ધરપકડ કરી છે. અન્ય ત્રણ ફરાર આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરાઇ છે.

કોની સામે કાર્યવાહી

  •    ASI વિનોદ ડામોર (રહે. દેવજીપુરા પોલીસલાઇન)- મણિનગરના પીઆઇની ગાડીનો ડ્રાઇવર – ધરપકડ
  •    હે.કો. જુજાર પગી (રહે. હેડક્વાર્ટર) – એમટી વિભાગ – ફરાર
  •     પો.કો. રાજુ બારિયા (રહે. દેવજીપુરા પોલીસ લાઇન) – હેડક્વાર્ટર એફ કંપની- ફરાર
  •     પો.કો. અમિતસિંહ ગોલ (રહે. હેડક્વાર્ટર) – સરખેજ પોલીસસ્ટેશનના પીઆઇની ગાડીનો ડ્રાઇવર-ફરાર
  •     સંજય નાઇ (રહે. નારોલ) – બાઇકનો માલિક – ધરપકડ

24 કલાકની નોકરી બાદ મહેફિલ

સૂત્રોનું કહેવુ છે કે મહેફિલ માણનારા પોલીસ કર્મીઓ પોલીસ હેડક્વાર્ટરના એમટી વિભાગમાં ફરજ બજાવે છે. એએસઆઇ વિનોદ ડામોર મણિનગરના પીઆઇની ગાડીનો ડ્રાઇવર છે. પો.કો. અમિતસિંહ ગોલ સરખેજના પીઆઇની ગાડીનો ડ્રાઇવર છે. ડ્રાઇવરો 24 કલાકની નોકરી કર્યા બાદ જ્યારે ઓફ આવે ત્યારે દારૂ ઢીંચી આરામ ફરમાવતા હોય છે. આ પોલીસ કર્મીઓએ પણ નોકરી કર્યા બાદ મહેફિલનું આયોજન કર્યું હોવાની દિશામાં તપાસ થઇ રહી છે.

20-25 મિનિટથી જાહેરમાં મહેફિલ ચાલી રહી હતી…

સૂત્રોનું કહેવુ છે કે નવી કમિશનર કચેરી પાસે ફૂટપાથ પર વાળંદ બેસે છે ત્યાં જ કેટલાક પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલ માણી હતી. પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં 20થી 25 મિનિટ સુધી આ કર્મીઓ દારૂ પી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ હેડક્વાર્ટરમાં નોકરી કરતા કેટલાક પોલીસ કર્મીઓ જ દારૂના કટિંગ કરાવતા હતા અને બૂટલેગરોને પાયલોટિંગ પૂરું પાડતા હોવાની ચર્ચા હતી.

માધવપુરા પોલીસના પેટ્રોલિંગ વચ્ચે જ કચરાપેટીમાંથી દારૂની ખાલી બોટલો મળી 

પોલીસ હેડક્વાર્ટર નજીક સવારે દશેરા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હોવાથી માધવપુરા પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યુ હતું. અહીં માધવપુરા પોલીસની ગાડીઓ ફરી રહી હતી તેમ છતાંય હેડક્વાર્ટરના પોલીસ કર્મીઓ જાહેર રોડ પર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. માધવપુરા પોલીસમાં રાજભાનું રાજ ચર્ચાય છે ત્યાં ચાર પોલીસ કર્મીઓએ જ્યાં મહેફિલ માણી ત્યાં કચરાપેટીમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે.

એજન્સી બૂટેલગરો પાછળ વ્યસ્ત, પોલીસ પાર્ટીમાં મસ્ત

એક એજન્સી હમણાંથી પડદા પાછળ વિવાદમાં આવી છે. એક એજન્સીના માણસો ખાનગી ગાડીઓ બેફામ હંકારીને બૂટલેગરોનો પીછો કરે છે. જેમાં એક ઘટનામાં તો કેટલાક લોકોના મોત પણ થયા હતા. બીજીતરફ નરોડામાં પણ એક ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ તેમાં દારૂ ભરેલી ગાડીનો પીછો કરાતો હોવાની ચર્ચા હતી. ચોક્કસ ટાર્ગેટ સાથે ચાલતી આ એજન્સી બૂટલેગરો પાછળ વ્યસ્ત અને પોલીસ પાર્ટીમાં મસ્ત રહેતા શહેર પોલીસ કમિશનરની છબી ખરડાઇ છે.

દારૂ ક્યાંથી લાવ્યા સહિતની બાબતો પર તપાસ કરાશે

આ ગંભીર ઘટના બાબતે કડક કાર્યવાહીના આદેશ મળતા ગુનો નોંધ્યો છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે. ત્રણ ફરાર આરોપી પણ ટુંક સમયમાં ઝડપાઇ જશે. આરોપીઓ દારૂ ક્યાંથી લાવ્યા, પાર્ટી કરવા પાછળ કોઇ કારણ હતું કે કેમ તે તમામ બાબતો પર કડક તપાસ થશે. — નીરજકુમાર બડગુજર (જેસીપી, સેક્ટર-1)

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *