
એવી સ્કુલના ગ્રાઉન્ડ પાસે નકલી નોટો વટાવવા આવેલા બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી બંને શખ્સો પાસેથી ૧૮ નકલી ચલણી નોટ સહિત કુલ રૂ.૧૧ હજારના મુદ્દામાલ કબ્જે લીધો હતો અને આ બન્ને શખ્સોને નકલી ચલણી નોટ પહોંચાડના અન્ય એક સુત્રધાર સહિત કુલ ત્રણ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના એવી સ્કુલના મેદાનની દિવાલ પાસે બે શખ્સો ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા આવ્યા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે તપાસ કરતા શાહરૂખ સાબિરભાઈ મહિડા (રહે.કેસરબાઈ મસ્જીદ સામે, નવાપરા) અને નદીમ હારૂનભાઈ ડેરૈયા (રહે.અરમાન એપાર્ટમેન્ટ સામે, નવાપરા)ને તપાસતા શાખરૂખ પાસેથી રૂ.૫૦૦ના દરની કુલ ૧૦ નકલી ચલણી નોટ અને નદીમ પાસેથી ૮ નકલી ચલણી નોટ મળી આવી હતી. નોટોની થિકનેસ યોગ્ય નહોતી અને પ્રાથમિક દ્રષ્ટિએ નોટ બનાવટી હોવાનું જણાતા બેંકના જાણકાર કર્મચારી તથા એફએસએલ અધિકારી પાસે ચકાસણી કરાવી બનાવટી અને અસલ નોટોની ખરાઈ કરાવવામાં આવી હતી. બન્નેને નકલી નોટ બાબતે પુછતા આ બનાવટી ચલણી નોટ તેમને વિઠ્ઠલવાડીના શાહનવાઝ નામના શખ્સે આપી હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે શાહરૂખ સાબિરભાઈ મહિડા, નદીમ હારૂનભાઈ ડેરૈયા અને શાહનવાઝ (રહે. વિઠ્ઠલવાડી) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોટક મહિન્દ્રા બેંકમાં નકલી નોટ જમા કરાવનારા વેપારી સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ત્યારે આ બંને કેસનું કોઈ કનેક્શન છે કે નહી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.