અમદાવાદના રીંગ રોડ પર થોડા મહિના પહેલા અસલી પોલીસ તોડ કરતી ઝડપાઈ હતી. જેમાં ખોટા કેસમાં ફસાવવાનું કહીને તોડ કરવામાં આવતો હતો. ત્યારે હવે રીંગ રોડ પર વધુ એક વાર પોલીસ તોડ કરતી ઝડપાઈ છે. પરંતુ, આ વખતે અસલી પોલીસે નકલી પોલીસને તોડ કરતી ઝડપી લીધી છે.
એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બે નકલી પોલીસને ઝડપી લીધા
એ ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે બાતમીને આધારે ઓગણજ રીંગ રોડ પર એક કાર ચાલકને ધમકાવીને તોડ કરી રહેલા બે નકલી પોલીસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓએ પોલીસ બનીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હતો. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક બાઈક સવાર નાસી ગયો હતો
અમદાવાદ એ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી. બી. ઝાલાને બાતમી મળી હતી કે ઓગણજ રીંગ રોડ પર કેટલાંક લોકો પોલીસના નામે વાહન ચેકિંગ કરીને તોડ કરે છે. જેથી રીંગ રોડ પર મંગળવારે (9 જુલાઈ) સાંજના સમયે, પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. જેમાં ભાડજથી ઓગણજ જતા રીંગ રોડન સર્વિસ રોડ પર એક કાર પાસે બાઈક લઇને ત્રણ શખ્સો ઉભા હતા. જેથી શંકાને આધારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એક બાઈક સવાર નાસી ગયો હતો. જ્યારે અન્ય બે લોકો ઝડપાઈ ગયા હતા.
ધમકી આપીને નાણાંની માંગણી કરી હતી
પોલીસે તપાસ કરતા કારચાલકે જણાવ્યું હતું કે બાઈક પર આવેલા ત્રણેય શખ્સોએ પોલીસની ઓળખ આપીને વાહન ચેકિંગના નામે કેસ કરવાની ધમકી આપીને નાણાંની માંગણી કરી હતી. જો કે નાણાં આપવાની ના કહેતા મોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. જેથી પોલીસે ઝડપાયેલા બે શખ્સોની પુછપરછ કરતા તેમના નામ અનવારુઅલહલ અંસારી (રહે. વિશ્વનાથનગર, અજીત મિલ પાસે, બાપુનગર) અને અમિત નાગર (રહે. પુષ્પકસીટી, હાથીજણ) હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બાઈક લઈને નાસી ગયેલા વ્યક્તિનું નામ પીન્ટુ હતું.
સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
ઝડપાયેલા બંને લોકોએ અનેક લોકોને પોલીસની ઓળખ આપીને તોડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે ખોખરા, રખિયાલ, અમરાઈવાડી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.