અમદાવાદ : શહેરના નરોડા વિસ્તારમાં ઇંડાની લારીએ લુખ્ખા પહોંચ્યા હતા. નાસ્તો કર્યા બાદ લુખ્ખાઓએ પૈસા ન આપતા વેપારીએ પૈસા માગ્યા ત્યારે ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ વેપારી અને તેના ભાઇને દંડા વડે ફટકાર્યા હતા. ત્યારબાદ લારી, ખુરશી, ટેબલ તોડી નાંખ્યા હતા. ઉપરાંત હવે લારી ઊભી રાખીશ તો ઊંધી કરી જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી લુખ્ખાઓ પલાયન થઇ ગયા હતા. આ મામલે વેપારીએ લુખ્ખાઓ સામે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ આદરી છે.
શહેરના કઠવાડા વિસ્તારમાં અમિત શોમરસિંહ રાજપૂત પરિવાર સાથે રહે છે અને સરદાર પાર્ટી પ્લોટ પાસે દિલખુશ નામથી ઇંડાની લારી ચલાવે છે. અમિતની પત્ની ગર્ભવતી હોવાથી તે બે મહિનાથી વતન ગઇ છે. 27મીના રોજ રાત્રે 12.30 વાગ્યે અમિત અને નાનો ભાઇ અનુજ બન્ને લારી પર હાજર હતા ત્યારે ચાકુ અને તેના બે મિત્રો આવ્યા હતા. તેમણે લારી પર નાસ્તો કર્યો હતો અને પૈસા આપ્યા વગર જ ત્યાંથી ઊભા થઇ ચાલવા લાગ્યા હતા. જેથી અનુજે તેમની પાસે પૈસા માગ્યા ત્યારે ચાકુ નામનો વ્યક્તિ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી અનુજને માર મારવા લાગ્યો હતો. આ સમયે ચાકુના બે મિત્રો પણ તેના પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન તેઓ દંડો લઇ આવ્યા હતા અને અનુજ તથા અમિતને માર મારવા લાગ્યા હતા. આ સમયે અમિત નીચે પડી ગયો હતો. ઉશ્કેરાયેલા લુખ્ખાઓએ લારી તથા ખુરશી ટેબલ તોડી નાંખ્યા હતા. આ સમયે ચાકુએ તીક્ષ્ણ હથિયાર બતાવી લારીના ગલ્લામાંથી 1500 રૂપિયા લૂંટી લીધા હતા. ત્યારબાદ ધમકી આપી હતી કે, અહીં લારી ઊભી રાખીશ તો ઊંધી કરી નાખીશ અને ત્યાંથી જતા રહ્યાં હતાં. બીજી તરફ બન્ને ભાઇને ઇજા થતા તેમણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ મામલે અમિતે ચાકુ અને તેના મિત્રો સામે લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.