ગુજરાત જાહેર સેવા આયોગના પરીક્ષા વિના જ સીધી ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક અપાવવાની લાલચ આપીને પાંચ યુવકો સાથે અમદાવાદમાં રહેતા ચાર ગઠિયાઓએ રૂપિયા 3.45 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચ ખાતે નોંધવામાં આવી છે. નોકરીની લાલચમાં નક્કી કરેલી અડધી રકમ લીધા બાદ વિશ્વાસ અપાવવા માટે સરકારી નોકરીના બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. આરોપીઓએ એક પોસ્ટ માટે બે થી સવા કરોડની રકમ નક્કી કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી શરું કરી છે. આખા ષડયંત્રમાં ફસાયેલા લોકો પોલીસ પાસે ગયા અને હવે આંકડો 40 સુધી પહોંચે એવી શક્યતાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને ચારેય આરોપીની ધરપકડ કરી છે.
નિકોલમાં આવેલા ક્રિશ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઇ પટેલે ક્રાઇમબ્રાંચમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ચાર વર્ષ પહેલા એલએલબીના એડમીશન માટે તે જીતેન્દ્ર પ્રજાપતિ (રહે. ઘનશ્યામનગર સોસાયટી,નવા વાડજ)ને મિરઝાપુર કામા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી તેની ઓફિસમાં મળ્યા હતા. આ સમયે તેમની મુલાકાત જલદીપ ટેલર (રહે.શ્રીકૃષ્ણ સોસાયટી, ઇસનપુર) સાથે થઇ હતી. જીતેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જલદીપનો વકીલ છે અને તે મોટા સરકારી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી GPSC દ્વારા બહાર પાડવામાં આવતી સરકારી નોકરીમાં સીધી ભરતી કરાવી આપે છે. જલદીપે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરની એક જગ્યા ખાલી છે. જે જગ્યાએ યોગેશભાઇને નિમણૂંક અપાવશે. આ માટે સવા બે કરોડ રૂપિયા આપવા પડશે.
છેતરપિંડીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ પૈકી જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડ્યા અને હિતેશ સેનની ધરપકડ કરી અત્યાર સુધી કેટલા લોકોને આવી રીતે સરકારી અધિકારીઓ તરીકેના બનાવટી નિમણૂક પત્રો આપ્યા છે? તે અંગે પૂછપરછ કરવા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે હકીકત એવી છે કે, સરકારી અધિકારીઓ માટેની પોસ્ટ માટે બેથી સવા કરોડની રકમ નક્કી કરતા અને આરોપીઓ સરકારી નોકરીની લાલચ આપીને અનેક લોકો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી આચરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ માસ્ટર માઈન્ડ અહીંથી અટક્યા નહિ તેમણે સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓની યાદી મેળવી અને તેમાં નિમણૂક ઓર્ડરમાં માસૂમ યુવકોના નામ એડિટ કરીને મૂકી દીધા હતા.
વિજયભાઈએ 1.20 કરોડ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત, અંકિત પટેલને જીએમડીસીમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ અપાવવાનું કહીને બે કરોડની રકમ નક્કી કરી હતી. જેમાં તેમની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. અતુલ પટેલને ગાંધીનગરમાં જોઈન્ટ ડાયરેક્ટરની પોસ્ટ અપાવવાની ખાતરી આપીને 1.20 કરોડની રકમ નક્કી કરીને અલગ અલગ સમયે 22 લાખ રૂપિયા લીધા હતા. એટલું જ નહીં તમામને બનાવટી નિમણૂંક પત્રો પણ આપ્યા હતા. ત્યારબાદ ગન લાઇસન્સ જરૂરી હોવાનું કહીને ત્રણ લાખ રૂપિયા ફી પેટે લીધા હતા અને લાઇસન્સ આવતા પોસ્ટિંગની ખાતરી આપી હતી. બાદમાં લોકસભાની ચૂંટણીનું કારણ આપીને ખોટા વાયદા કર્યા હતા. આ દરમિયાન વિશ્વાસ કેળવવા માટે ગાંધીનગર જૂના સચિવાલયમાં ગામેતી અને અંકિત પંડ્યા નામના બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવીને નોકરીની ખાતરી આપી હતી. જો કે, તેમણે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યાની જાણ થતા ક્રાઈમ બ્રાંચમાં જલદીપ ટેલર, હિતેશ સૈન, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડ્યા વિરૃદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.